ISRO એ આપ્યા ગુડ ન્યૂઝ!ચંદ્રયાન-3ને લઈને મોટી અપડેટ:જાણીને દિલ થઈ જશે ખુશ,જાણો હવે શું થશે

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના વૈજ્ઞાનિકોએ શનિવારે ચંદ્રયાન-3ની પ્રથમ ભ્રમણકક્ષા વધારવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ચંદ્રયાન હવે પૃથ્વીની આગામી અને મોટી ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. આ પ્રક્રિયા બેંગલુરુ ખાતે ISROના ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) દ્વારા નિયંત્રિત કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, ISRO એ 14 જુલાઈના રોજ બપોરે 2.35 વાગ્યે ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું, જે લોન્ચ થયાના 16 મિનિટ પછી પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું . ચંદ્રયાનને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી LVM3-M4 રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યું હતું. ચંદ્રયાનને પ્રક્ષેપણની 16 મિનિટ બાદ સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું. આ ભ્રમણકક્ષા જ્યારે પૃથ્વીની સૌથી નજીક હતી ત્યારે 170 કિલોમીટર અને જ્યારે સૌથી દૂર હતી ત્યારે 36,500 કિલોમીટરના અંતરે હતી.

31મી જુલાઈ સુધી ભ્રમણકક્ષા વધારવાની પ્રક્રિયા વધુ 4 વખત કરવામાં આવશે. ઈસરોએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, ‘ચંદ્રયાન-3 સંપૂર્ણ સ્થિતિમાં છે. આ વાહન એવી ભ્રમણકક્ષામાં છે, જે પૃથ્વીથી તેના સૌથી નજીકના બિંદુએ 173 કિલોમીટર અને તેના સૌથી દૂરના બિંદુએ 41,762 કિલોમીટર છે.

ઈસરોના ચીફ એસ. સોમનાથે કહ્યું કે જો બધું પ્લાનિંગ મુજબ ચાલ્યું તો વાહન 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્ર પર ઉતરશે. ચંદ્રયાન-3માં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને ત્યાં 14 દિવસ સુધી પ્રયોગો કરશે. પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. મિશન દ્વારા ISRO ચંદ્રની સપાટી પર ભૂકંપ કેવી રીતે આવે છે તે શોધી કાઢશે. તે ચંદ્રની જમીનનો પણ અભ્યાસ કરશે.

જો સોફ્ટ લેન્ડિંગ સફળ થાય છે, એટલે કે જો મિશન સફળ રહે છે, તો અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત આવું કરનાર ચોથો દેશ બની જશે. યુએસ અને રશિયા બંને ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતર્યા તે પહેલા અનેક અવકાશયાન ક્રેશ થયા હતા. 2013માં ચાંગે-3 મિશન સાથેના પ્રથમ પ્રયાસમાં સફળ થનાર ચીન એકમાત્ર દેશ છે.

નોંધનીય છે કે, લોન્ચિંગ ખર્ચ વિના ચંદ્રયાન-3નું બજેટ લગભગ રૂ. 615 કરોડ છે, જ્યારે તાજેતરની ફિલ્મ આદિપુરુષનું બજેટ રૂ. 700 કરોડ હતું. એટલે કે ચંદ્રયાન-3 આ ફિલ્મની કિંમત કરતાં લગભગ 85 કરોડ રૂપિયા સસ્તી છે. આના 4 વર્ષ પહેલા મોકલવામાં આવેલ ચંદ્રયાન 2 ની કિંમત પણ 603 કરોડ રૂપિયા હતી. તેના લોન્ચિંગ પર 375 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

Leave a Comment